47 - મારા ઠાકુર દમોદારા / નરસિંહ મહેતા


રાગ આશાવરી

મારા ઠાકુર દમોદારા ! મારી સાર કીધી સંવારી રે,
આગે ભક્ત અનેક ઉદ્ધાર્યા, કૃપાકટાક્ષે, મુરારિ રે ! ૧

શુક-સનકાદિક મુનીવર નારદ નિગમ અતિ ચતુર્મુખ ગાય રે,
હનુમંત સરીખા તાલ ધરે, મારી ગણના કવણ ગણાય રે ? ૨

જેની સેવા સુરનર વાંછે, સહસ્ત્રસ અઠયાસી ધ્યાય રે,
ઇન્દ્રાદિક ગાંધર્વ અપ્સરા નિત નિત નૃત્ય કરાય રે. ૩

અંગે વર આભૂષણ આપ્યાં, સોંપ્યા સહુ શણગાર રે,
મંડળિક દેખતાં મહારાજે એણી વિધે આપ્યો હાર રે. ૪

રા’દસ તોલા દહાડી સુવર્ણ દેતો, નિત નાહતો ગંગાતીર રે,
વૈષ્ણવ સાથે દ્રેષ કર્યો તો પામ્યો શાપ શરીર રે. ૫

સારી સોરઠ જોવાને આવી, પહોત્યો મનનો કોડ રે,
સકળ સભામાં ભલો ભવાડ્યો, નરસૈંયો જીત્યો હોડ રે. ૬

કળિજુગ માંહે કઠણ માનવી તે પામર કેમ પતીજે રે ?
ભણે નરસૈંયો : સુણો, નારાયણ ! ચરણ-શરણ રાખીજે રે. ૭


0 comments


Leave comment