27 - રોકી રહી રાધિકા, રંગ જામ્યો ઘણો / નરસિંહ મહેતા


રાગ કેદારો

રોકી રહી રાધિકા, રંગ જામ્યો ઘણો ? રસિયા ! રાતડી રહી રે થોડી,
નંદના નંદ ! સ્ત્રી-જિત તું થઈ રહ્યો, આહીરડાં-શું પ્રીત જોડી ! ૧

દેવ કાપાલિકે કામ પરજાળિયો, ઇશ-પદ પામિયો ઉમા-સ્વામી,
શામળા ! તુંહને લોક લંપટ કહે, થયો વ્યભિચારી, કાનુડા કામી ! ૨

હઠ કરે તેહ-શું હઠ કરો, શામળા ! ત્રૂટશે સ્નેહ ત્રિકમ ! તાણ્યે,
ભણે નરસૈંયો : જવ અવધ સહુ વહી ગઈ, મંડળિક મારશે મુંને વ્હાણે. ૩


0 comments


Leave comment