36 - હો જગતપતિ જાદવા ! શું રે જોઈ રહ્યો / નરસિંહ મહેતા


હો જગતપતિ જાદવા ! શું રે જોઈ રહ્યો ? દયા આણ, દામોદરા ! થાને વહેલો,
આપ-ને હાર, હરિ ! કર-ને કૃપા વળી, સૂર ઊગ્યાથી મુંને રાખ પહેલો. ૧

તું રે ઠાકોર, પ્રભુ ! ધણી રે તું માહરો, મેં રે, લક્ષ્મીવરા ! તુંને ગાયો,
‘ભક્તવત્સલ’ એવું બિરદ છે તાહરું, તેવું જાણીને નાથ ! તુંને ધ્યાયો. ૨

મેલ માયા, મધુસુદન ! માળા તણી, (પણ) હાર આપ્યા પાખે કેમ ચાલે ?
પેરે પેરે પરિભવે મંડળિક હારને, તેહ દેખ તુજ વિના કોણ ટાળે ? ૩

કુસુમની માળમાં કઠણ શું થઈ રહ્યો ? આપો, કૃપાનિધિ ! શું વિચારો ?
નરસૈંયાચા સ્વામી ! આશ તારી ઘણી, આ દેહ, દામોદરા ! તમે ઉગારો. ૪


0 comments


Leave comment