40 - હું રે જાચક, તું દાતાર, દામોદરા / નરસિંહ મહેતા


હું રે જાચક, તું દાતાર, દામોદરા ! માહરે મંન તો બિરદ સાચું,
આપો કે ન આપો તોહે, ત્રિકમા ! તું વિના અન્ય કોને ન જાચું. ૧

ભક્ત સુદામાની સાર કરી, શામળા ! નવનિધિ આપી ત્રૂઠયા, મુરારિ !
ચતુભુર્જ રાય ! તેં ચંદ્રહાસ ઉગારિયો, તેમ કૃપા કરો હાવાં મારી. ૨

ગુરુ-બાળક યમસદનથી લાવિયા, અર્જુનની પ્રતિજ્ઞા તેં રે પાળી,
બ્રાહ્મણના પુત્ર દશ જેહ હાર્યા હતા, વૈકુંઠનાથ ! તું લાવ્યો વાળી. ૩

એવા ઘણાં ઘણાં બિરદ છે તાહરાં, મારું દુઃખ હવાં હું કહું શું તુજને ?
હાર નહી આપો તો મંડળિક મારશે, નરસૈંયો કહે : હરિ ! રાખ મુજને. ૪


0 comments


Leave comment