7 - ભક્તચા ઈશ ! તુને વિષ્ણુ સહુ કો કહે / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

ભક્તચા ઈશ ! તુને વિષ્ણુ સહુ કો કહે, કાંગવા કેરાં તે દાન કિસ્યાં ?
વિપ્ર સુદામાને નવવિધ આપી ને વિદુરને મંદિરે વાસો વસિયા. ૧

હવણાં કૃપણ થયો શેં ? – નથી જાણતો, તું સદા સેવકજન-પ્રતિપાળુ,
નાસીને ખુણે જઈ બેઠો તોહે તેં કાળયવન તણો આણ્યો રે કાળ. ૨

શિશુપાળ જરાસંધ કંસ નરકાસુર, તે તણાં બળ અને માન મોડ્યાં,
પૂતના અધાસુર કેશી ને બકાસુર, વેરભાવે તેના બંધ છોડ્યા. ૩

ભાવે-કભાવે જેણે તુને ઉપાસિયો, ગર્ભનિવાસ નહીં આવે તે વળતો,
ભણે નરસૈંયો ?: હું દીન થઈ વરણવું, રાખ રે રાખ મુને તું બળતો. ૪


0 comments


Leave comment