3 - તું દયાશીલ, હું દીન, દામોદરા / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

તું દયાશીલ, હું દીન, દામોદરા ! ઇન્દિરાનાથ ! એવું વિચારી,
ચરણને શરણ આવ્યો, કૃપાનથ ! હું કરને, ગોપાળ ! સંભાળ મારી. ૧

દેવના દેવ, સુણ, દેવકીનંદના ! ‘ભક્તપાલક’ એવી બિરદ તારે,
એમ જાણી ઘટે ત્યમ કરો, ત્રિકમા ! અવર અધિપતિ નથી કોઈ મારે. ૨

મોહરા કર્મને ભાળવેશ, ભૂઘરા ! ‘પતિતપાવન’ તારું બિરદ જાશે,
છાંડતાં તોહે ક્યમ છૂટશો શામળા ? છાંડશો જો, તો ઉપહાસ થાશે. ૩

દુષ્ટ ભાવે ભરી તેં હણી પૂતના, તેહ જમદૂત-પથથી નિવારી,
મામકી, નારી કીર્તન કરી ઉદ્ધરી, એમ તું રાખ મુને, મુરારિ ! ૪

દ્રૌપદી તાહરે નામે પટ પામિયાં ,અવિચળ પદ ધ્રુવ પામ્યો આગે,
એવું જાણી નરસૈંતો તવ નામ જપે : રાખ ચરણે, રખે લાજે વાગે. ૫


0 comments


Leave comment