18 - સાર કર, શામળા ! મેલ મન-આંબળા / નરસિંહ મહેતા


રાગ કેદારો

સાર કર, શામળા ! મેલ મન-આંબળા, ઊઠ ગોપાળરાય ! અસુર થાયે,
નરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું રે જાયે ? ૧

હારને કાજ તું મૌન ગ્રહે, માધવા ! બોલતો શેં નથી ? માગ્યા માટે ?
રાય- મંડળિક-પરતીત-કારણ, અલ્યા ! નહીં તો મળે મુંને મૂલ સાટે. ૨

પૂછવું હોય તો પૂછને સ્ત્રીયને, મૂલ બેઠું હોય જેહ તારે,
પાય લાગી કહું કંઠે આરોપિયે, શું કહું, શામળા ! વારે વારે ? ૩

કળિયુગ માંહે પરતીત ગઈ લોકની, વળી આમ કરશો તો કોણ ધ્યાશે ?
(કહેશે)) ‘નરસૈંયાને એક હાર આપી નવ શક્યો’ ચૌદે લોકમાં ગુણ કોણ ગાશે ? ૪


0 comments


Leave comment