8 - તું કિશા ઠાકુર ? હું કિશા સેવકા ? / નરસિંહ મહેતા


રાગ રામગ્રી

તું કિશા ઠાકુર ? હું કિશા સેવકા ? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે,
મંડળિક હારને માટે મને બહુ દમે, છબીલા વિના દુઃખ કેને કહાયે ? ૧

કો કહે લંપટી, કો કહે લોભિયો, કો કહે તાલકુટિયો રે ખોટો,
સાર કર, માહરી દીન જાણી, હરિ ! હાર આપો તો કહું નાથ મોટો. ૨

બે પાસાં સુંદરી, કંઠે બાંહો ધરી, કેશવા ! કીર્તન એમ હાયે,
અજ્ઞાન લોક તે અશુભ વાણી વદે, પૂર્ણ જે ભક્ત તે પ્રેમે જોયે. ૩

જહીં મહાદેવજીએ પૂર્ણ કૃપા કરી, તહીંનો મેં લક્ષ્મીનાથ ગાયો,
મામેરા-વેળા લાજ જાતી હુતી, ગરુડ મેલીને તું ચરણે ધાયો. ૪

મુંને વહેવાઈએ અતિશે વિગોઇયો ઉષ્ણ જળ મૂકીને હાસ કીધું,
દ્રાદશ મેધ તેં મોકલ્યા, શ્રીહરિ ! આપણા દાસને માન દીધું. ૫

સોરઠ માંહે મુંને સહુએ સાચો કહ્યો : પુત્રીને મામેરું વારુ કીધું,
નાગરી નાતમાં ઈંડું ચડાવિયું, નરસૈંયાને અભેદાન દીધું. ૬


0 comments


Leave comment