43 - ભાંગો ભોગળ / નરસિંહ મહેતા


રાગ પંચમ

ભાંગો ભોગળ, ભાંગો ભોગળ, ભાંગો ભોગળ, શામળિયા રે !
ઘેલા ! ઘેલાઈ મૂકો, મારા વહાલા ! ગાયોના ચારણ ગોવાળિયા રે ! ૧

આહિરને આવડો શો મચકો ? આપો મોગરડાની માળા રે,
ખટકો ચિત્તમાં શેનો પેઠો, જે અટકો, મારા વહાલા રે ? ૨

હાવાં ગાળ ન દેં, મારા વા’લા ! ઓ નરહરિ નાંધડિયા રે !
બંધુ તમને બળવંતા જાણી પ્રેમે અર્પી ગાવાડિયાં રે. ૩

શુક-સનકાદિક ધ્યાન ધરે છે તે નંદ તણો પિંડારું રે,
તુંને લંપટ કહી હુલાવે, એવું છે ગાન અમારું રે. ૪

આવોને, આલિંગન દીજે, સુંદર મુખડું નિહાળું રે,
ભણે નરસૈંયો : રજની વીતી, થયું ત્રિલોકે અજવાળું રે. ૫


0 comments


Leave comment