44 - હારને કાજે વિલંબ કર મા ઘણું / નરસિંહ મહેતા


રાગ કેદારો

હારને કાજે વિલંબ કર મા ઘણું, નોહે કૌસ્તુભમણિ, વૈદૂર્યમાળા,
ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો, કૃષ્ણ માળા ? ૧

ઊંચને મૂકીને નીચને અનુસર્યો, દ્રારકારાય ! મન જોજો વિચારી,
રાજાની દીકરી રુકમણી પરહરી, કૂબડી મંદિરે રહ્યા મુરારિ. ૨

રત્ન-ગુંજા વિચે ભેદ નહીં, ભૂધરા ! સાયર-છીલર તે સમ પ્રમાણો,
મંડળિક હારને પેરે પેરે પરિભવે, દોહેલું દાસનું શે ન જાણો ? ૩

લોક કૌતુક જુએ, જામિની અલ્પ રહી, ક્ષીણ થઈ જ્યોત, તેવા રે દીવા,
કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપિયો નરસિંહ ગ્રીવા. ૪


0 comments


Leave comment