32 - પુષ્પથી સાર અનેક છે, શામળા / નરસિંહ મહેતા


રાગ કેદારો

પુષ્પથી સાર અનેક છે, શામળા ! મુજને હારનું દાન દીજે,
રંક-રાયે લહી વાત દુલ્લભ કહી, કહોની, કેશવ ! હવે કેમ કીજે ? ૧

કાજ કીધા વિના પ્રતીત નહી પુરુષને, પ્રીતની રીતનો આપી રહે ભાસ,
સકળ સુરનર કહે, અકળ કો નવ લહે, માહરે તુજ વિના નહી રે આશ. ૨

નામ પ્રતાપે પાષાણ જળમાં તર્યા, ‘પતિત-ઉદ્ધારણ’ – નામ તારું,
નરસૈંયાનું તું સંકટ હર, શામળા ! હાર આપ્યે થાય કાજ મારું. ૩


0 comments


Leave comment