31 - દીનબંધુ તમો દારિદ્રય-મોચના / નરસિંહ મહેતા


રાગ કેદારો

દીનબંધુ તમો દારિદ્રય-મોચના, દાસને અનંત છે આશ તારી,
અનેક શત્રુ મળી મુજને પરભવે, નાથ વિણ કો કરે સહાય મારી ? ૧

‘અનાથનો નાથ તું’ – સાખ પૂરે સ્મૃતિ, વાત વિસ્તરતાં વાર લાગે,
કૃત્યુ મારાં રખે આજ સંભારતો, હું મતિમંદ અજ્ઞાન આગે. ૨

રંકની લાજ તું રાખ, લક્ષ્મીવરા ! દુષ્ટ જ્યમત્યમ લવે લોક એવું,
તેમની હાંસી ને માહરું મોત છે, જેમ હરિ ! રાખશો તેમ રહેવું. ૩

માન – અપમાન મારે કાંઈ નવ રહ્યું, ભૂપતિ ભોળવ્યો કામ કીજે,
રાખિયે નાથ ! અનાથને દુઃખથી, આશ અનંત, તુજ નામ લીજે. ૪

સુત વાસુદેવના ? અંતર અવલોકિયે, ‘પતિતપાવન’ એવું બિરદ તારું,
આપિયે હાર, ઉગાર નરસિંહને, આણ કરુણા, નહીં તો પ્રાણ હારું. ૫


0 comments


Leave comment