16 - શામળિયા ! શું સૂતો છે સોડ તાણી ? / નરસિંહ મહેતા


રાગ સોરઠ

શામળિયા ! શું સૂતો છે સોડ તાણી ? મેં તારી દૂમણ કાંઈ ન જાણી.

સમોવડ સાથે શોભીએ, દેવા ! [તું તો] છે જગદીશ,
કીડી ઉપર શો કુહાડો ? મુજ રાંક ઉપર શી રીસ ? ૧

જેમ આગે દ્રૌપદીને [ચીર પૂર્યા], હાથીની કીધી સાર,
જરાસંધ જીતીને મુકાવ્યા રાજા વીસ હજાર. ૨

ભામિની કાજે તમો લાવ્યા પારિજાતકનું ઝાડ,
એક નરસૈંયાને હાર આપતાં આવડો તે શો પાડ ? ૩


0 comments


Leave comment