42 - જાગને જાદવા ! રાત થોડી રહી / નરસિંહ મહેતા


જાગને જાદવા ! રાત થોડી રહી, મંડળિક રાય મુંને બિવરાવે,
અરુણ ઉદિયો અને હરણલી આથમી, તુંને તોહે કરુણા ના આવે ? ૧

ભોગળ ભાંગિયે, રાય દામોદરા ! ઊઠો, જદુનાથ દેવાધિદેવા !
મંડળિક મદભર્યો, ઓચરે અઘટતું : જાણે નરસૈંયાની જૂઠી સેવા ! ૨

ભક્તપાલક દયાશીલ તું, શામળા ! માહરે પ્રીત પૂરણ છે તારી,
નાગરા-શું નવા નેહડો દાખવો, અકલિત ચરિત તારાં , મુરારિ ! ૩

માહરે ‘નરહરિ’ નામ રુદે વસ્યું, ‘પતિતપાવન’ તારું બિરદ કહાવો,
ગ્રાહથી ગજને મુકાવિયો, શ્રીહરિ ! દાસ નરસૈંયાને તેમ મુકાવો. ૪


0 comments


Leave comment