45 - ધન્ય તું, ધન્ય તું એમ કહે શ્રી હરિ / નરસિંહ મહેતા


રાગ એ જ

‘ધન્ય તું, ધન્ય તું’ એમ કહે શ્રી હરિ : નરસૈંયા ! ભક્ત તું મારો સાચો,
મેલી પુરુષપણું સખીરૂપ થઈ રહ્યો, લોક-આચાર તજી પ્રેમે નાચ્યો. ૧

તું અને હું વિશે ભેદ નહીં, નાગરા ! માન એ માહરી વેદ-વાણી,
બાંધેલી પ્રીત છે પ્રથમથી આપણી, જોને ઉષ્ણોદકે સમણ-પાણી. ૨

મામેરું મોકલ્યું, તેહ કેમ વીસર્યો ? આપ્યો આ હાર પ્રત્યક્ષ ભૂપ.
ત્રિભુવને તુજ સમો કો નહીં, નાગરા ! તાહરું માહરું એક રૂપ. ૩

તાહરો અક્ષર જે ગાય ને સાંભળે, તેહ સહુ કુળસહિત પવિત્ર થાયે,
ભણે નરસૈંયો : મીઠું બોલી શું રીઝવો ?’ કૃષ્ણ કર જોડી સમ તિહાં ખાયે. ૪


0 comments


Leave comment