29 - જે તારાં ચરણ ને શરણને અનુસરે / નરસિંહ મહેતા


રાગ કેદારો

જે તારાં ચરણ ને શરણને અનુસરે, તેહ જનને તુજ સરીખા કીધા,
ભોગવે ભોગ સંસારનો, શામળો ! વિષયરસ સેવતા, કારજ સીધ્યાં. ૧

જોતાંજનકનાં કર્મ શાં, કેશવા ? રાજરિધ વિલસતો, નર વામ્યો,
નામ-પરતાપથી જમપતિ જીતિયો, અજામલિ તારું અભેપદ પામ્યો. ૨

‘ભક્ત વહાલા, સદા દાસનાં દુઃખ હરો’, નિશ્વે વાયક એવાં વેદ બોલે,
અંબરીષ-દાસથી ક્રોધી ઋષિ રઝળિયો, તો મંડળિક તારે શા રે તોલે? ૩

તાહરાં ચરણને જે કોઈ અનુસરે, તે તો વૈકુંઠથી અધિક હોયે,
ઉંદર-બ્રહ્માદિક શંકરાદિ સેવતા, તાહરો પાર નવ જાણે કોયે. ૪

ઈન્દ્ર અહલ્યા થકી મહાદુઃખ પામિયો, સહસ-ભગ તન થયાં, તુંને સંભારે,
સહાય કરને હવે સાધુ સંતાપતો, નરસૈંયાને, નાથ ! કાં વિસારે ? ૫


0 comments


Leave comment