21 - આપ રે હાર સૂત નંદ-વસુદેવના / નરસિંહ મહેતા


રાગ કેદારો

આપ રે હાર સૂત નંદ-વસુદેવના ? અદ્યાપિ તુજને લાજ થોડી ?!
કંસના ભય થકી નાસી ગોકુળ ગયો, આહીર-શું રહ્યો પ્રીત જોડી ! ૧

ગરજ માટે મા-બાપ તેં બે કર્યા, ઈન્દ્ર-ભવ-અમર-મુનિ-ઋષિ જોતાં,
કંસનો વધ કર્યે કાજ તારું સર્યું, બાપડાં મૂક્યાં તે વંન રોતાં. ૨

તાંદુલ લેઈ રિદ્ધિ વિપ્રને મોકલી, તેહનું ભવન કીધું વૈકુંઠ સરખું,
મારે તો દાન ને ગાન તું, ભૂધરા ! નિત્ય પ્રત્યે તારાં ચરણ નિરખું. ૩

ભક્તિ કીધેય આહીરનો નવ હુવો, તો હાર મુંને તું કેમ આપે ?
ભણે નરસૈંયો : હવે રાત થોડી રહી, આપ તસ્કર ! મુંને શું સંતાપે ? ૪


0 comments


Leave comment