33 - ઘણું વરાંસિયો આજ હું, વિઠ્ઠલા / નરસિંહ મહેતા


ઘણું વરાંસિયો આજ હું, વિઠ્ઠલા ! અવસર વેળા ન આવ્યો કાજ,
‘કરુણાસિંધુ’ તુંને નિગમ, નારદ ભણે, ભક્ત સઘળાંને લગાડી લાજ ! ૧

(અલ્યા!)વાંક તારો નહીં, ગત મેં નવ લહી, ગાય ચારી, કહ્યો મેં ગોવાળ,
આહીરામાં રમી બુદ્ધિ સહુ નીગમી, તે ક્રોધે નહીં આપે પુષ્પમાળા ? ૨

સંગ સું-નારી નહિ, જે શીખ સારી દિયે, હાર આપ્યે દુઃખ મારું જાયે,
દુરિજનનાં મુખ શ્યામ કર, કેશવા ! જો, નરસૈંયો તારી લીલા ગાયે. ૩


0 comments


Leave comment