1 - તડકો ચાખો / હરિશ્ચન્દ્ર જોશી


પીળચટ્ટો પીરસાયો રે તડકો ચાખો,
સૂરજ લ્યો, મલકાયો તડકો ચાખો...

સોનાવરખ મઢેલા ડુંગર ઊભાં થળથળ
કિરણોની પાણી અડકીને ઝરણાં ઝળહળ
હૂંફ ભરી સોડમ ફેલી કે સીમે સળવળ
ત્રાંબા તાસ ઢળાયો રે તડકો ચાખો...

આળસ મરડી સૂરજમુખીની કળીઓ મલકે
કલરવની પાંદડીઓ વેરી પંખી ચહકે
ઊજળી કોઈ ટપાલ અધૂકડાં દ્વારે સરકે
ભોર ઉપર ભભરાયો રે તડકો ચાખો...

નેવાં નીચે પલળો કેસર ઝારી છલકી
અંકાશી પરસાદ ભરી લ્યો, ખિસ્સાં-બચકી
નભથી નેણ વચાળ ઝૂલતી કેડી ચળકી
ગળચટ્ટો પથરાયો તે તડકો ચાખો...


0 comments


Leave comment