2 - ઉનાળે રાજસ્થાન / હરિશ્ચન્દ્ર જોશી


અઢળક ઉનાળા લઈને સાંઢણીઓ ઝૂકી શ્હેર રે
માપ માપની તરસ ઉતારી વ્હેંચે ઘેરઘેર રે

તરસબ્હાવરાં ટળવળતાં સૌ વીરડા આંખે ગાળે રે
ખૂણામાં ઝળહળિયું ડળકી ઊડી જતું વરાળે રે

સંબંધોની વાવ, કૂવાઓ લાગણીઓનાં સૂક્યાં રે
જીવતરનાં ટૂંકાં સિંચણિયાં, હાથ મૂળથી ખૂટ્યાં રે

મોરપિચ્છ ઓઢીને જ્યાં સૌ ચોમાસાંને રોવે રે
કાગળિયે પર વાદળ ચીતરી વળ દઈને નિચોવે રે

સૂરજના ભઠ્ઠે શેકાતી ઇચ્છાઓની બાટી રે
કાળી ભમ્મર દાઝ પડે ને જીવની બગડે ધાટી રે

સપનાં મેલાંઘાણ સુકાતાં મૃગજળ ઘાટે ઘાટે રે
મનનું આછું પોત સમયના હાથે ફીટે-ફાટે રે

ડમરાતી ક્ષણ કણકણ લઈને રણને રોપે ફળિયે રે
રેતકણમાં ઊતરે માણસ મનસૂબા લઈ તળિયે રે


0 comments


Leave comment