6 - માણસજી / હરિશ્ચન્દ્ર જોશી


હપ્તે હપ્તે વાંચી મેં તો માણસજીની કથા,
રોજ રોજ મેં થોડી જાણી એની વ્યથા.

માણસજી તો મહાનવલ થઈ પાને પાને સૂતા,
સૂરજના ઊગવાની સાથે ભીની પાંપણ લૂતા,
માણસજીએ સપનામાં પણ ખાધી’તી શી ખતા ?

માણસજી તો પોતમાં પોતે ગૂંચવાયલ દોરો,
આંગળિયોમાં ભૂલો પડેલો એક નિમાણો છોરો,
માણસજીના હોઠે સઘળી વાત રહી ગઈ યથા.

માણસજીના દરવાજે ના કોઈ સાંઢણી ઢૂંકી,
શ્રીફળવંતી ટેક, આખડી દૈવ લગી ના પૂગી,
માણસજી ઘરમાં ને ઘર માણસજીમાં લાપતા.

માણસજી તો બિનવારસી જાણે કોઈ જણસ,
સૌ કોઈ એમાં મૂકી આવતું લોહીઝાણ શી કણસ,
માણસજીએ મૂંગે મોંએ પડવા દીધી પ્રથા.

માણસજીની એક્કે પળ ક્યાં બની શકી’તી ફોટો ?
શ્વાસે શ્વાસે ગણ્યા કર્યો’તો નર્યો દાખલો ખોટો,
માણસજી પરબીડિયામાંથી થયા કદી ના છતા.

માણસજી હથેળીઓમાં રેખા તૂટક તૂટક,
એથી એણે જીવતર ખર્ચ્યું તદ્દન છૂટક છૂટક,
માણસજીના ખિસ્સામાં ખાલી દિવસોની મતા.

માણસજીએ ગાળ સમાણી કરી જિંદગી પૂરી,
આંખોમાં થીજેલાં સગપણ, મૂડીમાં મજબૂરી,
માણસજીની સાખ પૂરવા ડૂસકાંયે ક્યાં હતાં ?


0 comments


Leave comment