9 - પૂનમ વરસી મોભારે / હરિશ્ચન્દ્ર જોશી


પૂનમ વરસી મોભારે પાની લગ રેલા પૂગ્યા રે
ભીની ભીની ગંધ ઓરડે, ઝમરખ દીવા ઊગ્યા રે

ચાંદરણાં વીણીને ભરતી દાબલડી
અજવાળાં કાલવતીક્ આંજું આંખલડી
પગલાંના અણસારે ધારી
પાંપણને પગથારે મારી
હું તો એમ જ બેઠી રૈ ને હૈયાં કમાડ ખૂલ્યાં રે...

છાતીના ખોબે ઢાંકીને વાતલડી
ધબકારે ધબકારે ગૂંથ રાતલડી
મૂંઝારે ડૂબી ગૈ અણક્થ
ભીંજાતી સોટી રૈ લથબથ
સવારના કૂણા કૂણા તડકાથી શરીર લૂછ્યાં રે...

પાણીના ઊંડાણે ઊતરી માછલડી
કાંઠા પર ઓળખ મૂકીને પાછલડી
પરવાળાં ફાંટ ખૂલી ગૈ
અરે, અરે હું દરિયો થૈ ગૈ
ઓળઘોળ સપનાંઓ સોળસોળ છોળ થૈ ઊડ્યાં રે...


0 comments


Leave comment