83 - ડંખ ખાધા છે સંદિગ્ધ સ્પર્શના / શોભિત દેસાઈ
જીવન આ કેવું છે એની સમજ તું આપ મને,
ઊજવવા માંડું હું એવો ના દે તું શાપ મને.
કશેથી કંઈક છે ખામી કબરમાં આ મારી,
અહીં તો કારમો લાગી રહ્યો છે તાપ મને !
સ્થપાયો એમ છું જાણે મળ્યું હો પૂર્ણત્વ,
અવજ્ઞા જેમ નવેસરથી તું ઉથાપ મને.
નથી મળ્યું તો કશું ક્યાં મળ્યું છે તલભર પણ !
મળ્યું છે ત્યારે મળ્યું છે બધું અમાપ મને.
મેં ડંખ ખાધા છે સંદિગ્ધ સ્પર્શના એવા,
કહો, હવે શું ડરાવી શકે આ સાપ મને ?
0 comments
Leave comment