85 - જૂનો થઈ ગયો / શોભિત દેસાઈ
આધુનિક હું થઈ ગયો છું ? કે હું જૂનો થઈ ગયો ?
કાળનો સંસર્ગ એવો છે કે જુદો થઈ ગયો.
એ ભળ્યો ટોળામાં, પામ્યો અવનવા શૃંગાર પણ,
માત્ર માનવતાની બાબતમાં અટૂલો થઈ ગયો.
રોટલી શેકી બધાએ પોતપોતાની રીતે,
સાવ સાચું – ઘર બળ્યાં, પણ સાથે ચૂલો થઈ ગયો.
પાંખડી આવી મુલાયમ તો કદાપિ ના બને,
ઓસનો જથ્થો જરા વીખરાઈ ફૂલો થઈ ગયો.
સૂર્યમુખી જાગ્યાં, ટહુક્યાં પંખી, આંખો ઊઘડી,
ને તિમિરનો કાળો કારોબાર પૂરો થઈ ગયો.
0 comments
Leave comment