86 - ન હોવું ? ઓગળ્યો / શોભિત દેસાઈ
આપના સાન્નિધ્યમાં હોવાનો જાદુ ઓગળ્યો,
ઓગળ્યો મારો અહમ્ પહેલાં, પછી હું ઓગળ્યો.
બહુ હતું અભિમાન એને ચામડીના રંગનું,
જીર્ણ બેરંગી ધરા પર જોઈ પીંછું-ઓગળ્યો.
સાંજવેળાની ક્ષિતિજ પર એવી થઈ ગઈ બાંધછોડ,
સૂર્ય જેવા સૂર્યનું પણ કૈં ન ચાલ્યું, ઓગળ્યો.
અણસમજને લઈને ઓગળવું ઘણું ભારે પડ્યું,
કરતાં બહુ બબડાટ, ‘હોવું ? કે ના હોવું ?’, ઓગળ્યો.
એ હતો તો પહાડ જેવો, પણ હતો એ બર્ફનો,
મેદની બોલી ઊઠી આશ્વર્યથી : ‘શું ઓગળ્યો !’
0 comments
Leave comment