87 - ઇરશાદ દે ! / શોભિત દેસાઈ
કુંપળો, ફળ-ફૂલના આહલાદ દે,
નિત્ય નૂતનતાના આશીર્વાદ દે.
પૂર્ણતા આપી દીધી તેં બુદ્ધની !
હું તો માણસ છું, મને ફરિયાદ દે !
અર્ક કાયમ અમને સંમોહિત કરે,
આભના નહિ, આંખના વરસાદ દે.
છોડવો ઝીલે છે જળ નતમસ્તકે,
પેશ એ નર્તન કરે, ઇરશાદ દે !
તું વિચારોનું નિયંત્રણ છો કરે,
પણ તું અમને ભાવ તો આઝાદ દે !
શોધવો છે અર્થને અસ્તિત્વના,
અમને ખુદની સાથના વિખવાદ દે.
નિવૃતિમાં છેક છેલ્લી ક્ષણ સુધી,
કર્મ કરવા પ્રેરે એ ઔલાદ દે !
0 comments
Leave comment