93 - લગભગને ઓળખો / શોભિત દેસાઈ
હા-નાની ક્યાંક વચ્ચેના લગભગને ઓળખો,
મતલબ નવા જ મળશે, જરા જગને ઓળખો !
પગલાં શિશુસહજ છે, કહેશો ત્યાં એ જશે,
પહેલાં પિછાણો પથ ને પછી પગને ઓળખો !
ભય જે પમાડે છે એ પરમ જાગૃતિય છે,
અજ્ઞાતમાં છુપાયેલા તગતગને ઓળખો.
આકાશ કાળું થાય છે એની ઉડાનથી,
આજે ઇરાદો નેક નથી, ખગને ઓળખો.
દુશ્મન તમારા લોહીની સાથે ભળ્યો ન હોય !
આખુંય તન તપાસી લો, રગરગને ઓળખો.
0 comments
Leave comment