95 - વળગાડ મારામાં / શોભિત દેસાઈ
સમય બાળે છે વીત્યાં વર્ષોનો વળગાડ મારામાં,
નવાં બી વાવે છે, જેનાં થવાનાં ઝાડ મારામાં,
છું આદિકાળથી શોખીન અફવાનો, ખરું કહું છું,
છુપાયો છે સતત ડરપોક એવો ભાંડ મારામાં.
નથી કહેતો મને, તો ક્યારનો કોને કહે છે તું ?
જો કોઈ હોય બીજું, તો મને દેખાડ મારામાં.
થઈ શરૂઆત એની નમ્રતાથી, પણ જરામાં આ,
ઊગી ચાલ્યો અહમનો કેવો ઊંચો તાડ મારામાં.
નદી થઈને વહે એ આંખથી તો કેટલું સારું !
અમસ્તી આબરૂનો પીગળે છે પહાડ મારામાં.
જમાવીને અડિંગો બેઠા છે-એક હું ને એક શોભિત,
ને બન્ને, હોવાની મારી રહ્યા છે ધાડ મારામાં.
0 comments
Leave comment