98 - મારી જે ધારણા છે / શોભિત દેસાઈ
ભ્રમમાં હતો હું એવો કે સાથમાં ઘણા છે,
પાછળ કરું નજર તો એકાદ-બે જણા છે.
પહાડો છે સાવ સામે, જોઈ શકાય છે ક્યાં ?
કરતાં નયન અમારાં નિસ્તેજ શું કણાં છે ?
મુખરિત નથી કશું તો ઉષ્મા આ ક્યાંથી આવી ?
કહી દઉં ? મેં જાત બાળી એનાં આ તાપણાં છે !
અદ્દભુત જીવન ને એ પણ માગ્યા વગર મળ્યું છે,
આંસુ, ઉદાસી, દુ:ખ, તો એનાં વધામણાં છે.
ક્યાં છે કશુંય દુષ્કર ! ક્યાં છે અશક્ય કાંઈ !
મારી છે એ જ સીમા, મારી જે ધારણા છે !
0 comments
Leave comment