99 - ખેતરમાં આવું થાય તો / શોભિત દેસાઈ


શું છે નવાઈ આગિયાશ્રેણી હણાતી જાય !
આ અંધકારની જ જ્યાં ઘડીઓ ગણાતી જાય !

ચિંતા ન કર તું, લાગણીનો તો સ્વભાવ છે;
ઊપજે નહીં કશુંય છતાં પણ તણાતી જાય !

અવહેલના છે લિપી, ઉદાસી છે વ્યાકરણ;
ને તે છતાંય પ્રેમ ની ભાષા ભણાતી જાય.

દુનિયા નવી જ રીતથી જોવાનો છે સમય,
પાયો ન હોય તોય ઇમારત ચણાતી જાય.

ખેતરમાં આવું થાય તો કેવી મજા પડે !
ગઝલો ગવાતી જાય... ફસલ પણ લણાતી જાય !0 comments


Leave comment