102 - કાબુલીવાળો / શોભિત દેસાઈ


મોસમનો ક્રમ સુરમ્ય નિરાળો થઈ ગયો,
નભ વરસ્યું કે અવાક્ ઉનાળો થઈ ગયો.

સરવર તો ક્યારનુંય વલય ઝંખતું હતું,
અવસર અનોખો કાંકરીચાળો થઈ ગયો.

ના હોય તારો સ્પર્શ તો આવું બને નહિ,
પથરાળ હુંય કેવો સુંવાળો થઈ ગયો !

મારી જ આંખે જોયું મેં મારું શિશુ સ્વરૂપ,
મનનો મૂંઝારો ‘કાબુલીવાળો’ થઈ ગયો.

મ્હોરાં સતત બદલતો હતો હું, તે એક દિવસ,
આઈનો બોલ્યો : ‘ચહેરો તો કાળો થઈ ગયો !’


0 comments


Leave comment