104 - બધા ખાલી છે કોઠારો છતાં / શોભિત દેસાઈ
અજબની દેણગી એની અને સોગાત ચાલે છે,
મુલાયમ ચાંદનીમાં રાતની રળિયાત ચાલે છે.
અસલની ખાનદાની હોય છે એ જાત ચાલે છે,
પટોળે જે પડી એવી એવી ને એવી ભાત ચાલે છે.
કહે, કોના ઇશારે ક્યારના ચાલ્યા કરે છે સૌ ?
યુગો, સદીઓ, વરસ, મહિના, દિવસ ને રાત ચાલે છે.
પ્રથમ થોડો વખત વાદળ વરસતાં હોય છે, એ બાદ,
લીલીછમ અવનીને જોયાનો અશ્રુપાત ચાલે છે.
સ્વીકારે છે ક્યા ભવની હૂંડી અદ્રશ્ય રહીને કોણ ?
બધા ખાલી છે કોઠારો છતાં ખેરાત ચાલે છે.
સમયને પારખી લેવાની ત્રેવડ હોય છે જેમાં,
એ જાણે છે એ હારે છે અને એ મ્હાત ચાલે છે.
હું પેલે પારને જોઈ શકું છું એટલે ચૂપ છું,
સુખોની ક્યારની અહીંયાં બધે પંચાત ચાલે છે.
0 comments
Leave comment