2 - પીછો / ચિનુ મોદી


એક પડછાયો સતત પીછો કરે છે.
ચાલતો ધરતી ઉપર, જળમાં તરે છે.

ક્યાંય તે એકાંત જેવું ના હવે છે.
ને હૃદય આ ભીડમાં ઝાઝું ડરે છે.

બાજ પેઠે આભ આખું આવરીને,
આભ પેઠે એ બધેયે વિસ્તરે છે.

લાગણીની જેમ રેલાતો રહીને
મધ્યદરિયે નાવ મારી આંતરે છે.

કોણ છે કે જે અલગ જેવું થઈને
યાદની પેઠે જ પાછું પણ ફરે છે ?


0 comments


Leave comment