106 - કાંઈ માગીશું નહિ / શોભિત દેસાઈ
થઈ જશે મોડું હવે જો સહેજ જાગીશું નહિ,
આજથી નક્કી કરીએ કાંઈ માગીશું નહિ.
માપદંડોનું ન પૂછો, આ વીતકની વાત છે;
સાગરો ઈચ્છાઓના ક્યારેય તાગીશું નહિ.
કર ભરોસો તું અમારી ચૂપકીદીનો, ને સમજ,
મૌન રહીશું, સૂર વગર ક્યારેય વાગીશું નહિ.
છો કલમ તૂટી જતી પણ નહિ કદી કરીએ નકલ,
એવી ખુદ્દારી-કોઈના જેવા લાગીશું નહિ.
આવશે એ ઘડીએ ઊભા હોઈશું સત્કારવા,
જિંદગી જીવ્યા છીએ એવી કે ભાગીશું નહિ.
0 comments
Leave comment