109 - અકબંધ રહેવા દે / શોભિત દેસાઈ


સ્મરણને છોડ, તું ઇતિહાસને અકબંધ રહેવા દે,
થવાનું શુભ છે એ આભાસને અકબંધ રહેવા દે.

સૂરજ ને આગિયાની શક્યતા સાથે ઊભી કર તું,
પરસ્પરના વિરોધાભાસને અકબંધ રહેવા દે.

મળી આંખો, કરી વાતો; તો એની દિવ્યતા જાળવ;
કૂણા, કુમળા, ત્વચાના ઘાસને અકબંધ રહેવા દે.

ના શામિલ થા, નિહાળ્યા કર તું એને ઠાવકાઈથી;
ચિરંતન ચાલતા આ રાસને અકબંધ રહેવા દે.
ન એને યાદ કર રોજિંદી બાબત હોય એ રીતે;
ઉદાસીના એ અવસર ખાસને અકબંધ રહેવા દે.


0 comments


Leave comment