110 - ઇન્સાન બેઠા છે / શોભિત દેસાઈ
નથી ત્યાં હિંદુ બેઠો, કે ન મુસલમાન બેઠો છે;
જરા સમજો ! તમારા સૌમાં એક ઇન્સાન બેઠો છે.
સતત જીવનની સાથે, થઈને અંતર્ધાન, બેઠો છે;
સમય આવ્યે, થવાને રૂબરૂ, મહેમાન બેઠો છે.
મહાજ્ઞાનીથી ઓછો સહેજે ના ગણશો તમે એને,
જે કાયમનું સજાવી મુખ ઉપર અજ્ઞાન બેઠો છે.
હતો એક બીજ ને એમાંથી આજે વૃક્ષ થઈને એ,
હજારો ઘોંસલાને આપવા વરદાન – બેઠો છે.
અહીં દરિયો જે તમને ધીર ને ગંભીર લાગે છે,
એ ખોળામાં સમાવી કેટલાં તોફાન બેઠો છે !
0 comments
Leave comment