111 - આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં / શોભિત દેસાઈ


ઉઠાવી ભારના વૈભવ, આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં !
ઉપાડી ખભે શૈશવ, આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં !

મનોરમ મસ્તીમાં આવી ગયાં છે, ગાય છે પોતે;
ઝીલે છે વાહનો પગરવ, આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં !

ઘણી ચિંતાઓ સાથે થોડું સુખ જો આપે આ દફ્તર,
તો દફ્તરને ગણી ઉત્સવ, આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં !

શું સાચું ? વઢ હકીકતની ? કે સપનામાં થયું એ વહાલ ?
ખયાલોમાં લઈ અવઢવ, આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં !

છે વય કાચી, અભાવો, શિસ્તપાલન, ચીડ, અવગણના...
લગાડીને બધાંને દવ, આ બચ્ચાં સ્કૂલમાં ચાલ્યાં !


0 comments


Leave comment