113 - અદ્દભુત પ્રસન્ન છું / શોભિત દેસાઈ


એવો અનાદિકાળથી અદ્દભુત પ્રસન્ન છું,
બેઠો છું કલ્પવૃક્ષની નીચે, નિરિચ્છ છું !

પલળે છે મારા પ્રેમમાં અવની નિ:શબ્દ થઈ,
વરસું છું નભથી એમ હું જાણે વિરક્ત છું.

આવેગ સૌ સમાવી લઉં છું સિફતથી હું,
જળથી જ્યાં આગ છુટ્ટી પડે એ અભિન્ન છું.

હું એ વિચાર છું, નથી કહેવાયો જે હજી,
ત્યાં લગ હું મૂલ્યવાન છું, જ્યાં લગ અવ્યક્ત છું.

મારી ગઝલ છે ભાષાની ઉત્ક્રાંતિનો વિલાસ,
છું એક, પણ એ યાદ રહે કે સમસ્ત છું.


0 comments


Leave comment