114 - મત્ત પાગલ પ્રેમમાં / શોભિત દેસાઈ


આપણું પોતાનું જીવન ધન્ય થઈને જીવીએ !
શાને માટે આપણે કો અન્ય થઈને જીવીએ !

ફક્ત ખુદ ખાતર જીવી લેવું, નથી એ જીવવું,
ક્યાંક તો... ક્યારેક તો.... પર્જન્ય થઈને જીવીએ !

પૂર્ણતા છે કૈંક બાકી રહી ગયાની લાગણી,
થોડા બનીએ રણના, થોડા વન્ય થઈને જીવીએ !

ખોળીએ ખુવાર થઈ જાવાને લાયક પાત્રને,
મત્ત પાગલ પ્રેમમાં ચૈતન્ય થઈને જીવીએ.
અંત પણ આરંભની જેવો જ રોનકદાર હો,
સહેજ પણ ઇચ્છા નથી મૂર્ધન્ય થઈને જીવીએ.0 comments


Leave comment