26 - ચાલવા માંડ્યો / ચિનુ મોદી


પવન જેવો થઈ, કાયા વગર, હું ચાલવા માંડ્યો
અને મારા જ પડછાયા વગર, હું ચાલવા માંડ્યો

અવાજો રાક્ષસી જડબું ઉઘાડી વેગમાં આવ્યા
ડરીને શ્વાસ પડઘાયા વગર હું ચાલવા માંડ્યો

ઉગાડી કેમ શકશો ભીંત મારી આસપાસોમાં?
તણખલે સ્હેજ તોળાયા વગર હું ચાલવા માંડ્યો.

મદારી રાજમાર્ગે નાગને રમવા લઈ આવ્યો,
સડકની જેમ ગભરાયા વગર હું ચાલવા માંડ્યો.

કિરણ જેવી જ કાયા પામવાના તીવ્ર યત્નોમાં
પવન જેવો થઈ કાયા વગર, હું ચાલવા માંડ્યો.


0 comments


Leave comment