29 - મારો અવાજ / ચિનુ મોદી


સુનો પ્રકાશ મૌનના સાગર તરી ગયો
કોનો અવાજ ખંડમાં પાછો ફરી ગયો?

મૂક્યું જરાક બારીયે અવકાશ ભૂખરું
ચ્હેરો ઉદાસ ફૂલનો કંપી જરી ગયો

ધુમ્મ્સ થયાં સવારમાં અંધારનાં શબો
વાવો અવાવરું વિશે વાયુ મરી ગયો.

મારી ત્વચા ગરમ ગરમ ભીનાશ માંગતાં
સૂરજ ઉદાસ ઘાસમાં ઝાકળ ભરી ગયો.

ઘેરી વળી મને પછી પડઘાની શૂન્યતા
મારો અવાજ ખીણને કાંઠે ઠરી ગયો.


0 comments


Leave comment