31 - દોષ દેવાશે / ચિનુ મોદી


આજ દરિયાની દદડતી રેતમાં ન્હાશે સમય
તો પ્રસરતા રણ વડે ક્યારેક ભરખાશે સમય.

ભાગ્યની રેખા નથી કે હાથમાં જકડી શકો
બંધ મુઠ્ઠી ખોલશો કે તૂર્ત પકડાશે સમય.

મંઝિલે આવ્યા પછી પણ જો તમે થાકો નહીં
તો પછી વેરાન પગલાં જેમ ભૂંસાશે સમય.

હું હવે જો શ્વાસ અટકાવું નહીં તો શું કરું?
ક્યાં લગી એક જ સૂરે શતવાર પડઘાશે સમય?

હા, ભયાનક રાતમાં આવેલ કોઈ સ્વપ્નમાં
આંખ ઉઘડશે અને તત્કાળ બીડાશે સમય.

ઝંખના પેઠે અધૂરી જો રહી મારી ગઝલ
કોકના હાથે તને પણ દોષ દેવાશે, સમય.


0 comments


Leave comment