33 - ઊંટ તો.... / ચિનુ મોદી


શ્વેત દીવાલો ઉપર પડનાર પડછાયા ગયા
ચોક વચ્ચોવચ પડેલાં મોરનાં પગલાં ગયા.

મન હતું ખંડેર, સૂના જીર્ણઘરનું આંગણું
કોણ આવી આંગણે, રોકાઈ ક્ષણ, પાછાં ગયાં?

ઊંઘતું જાગે સરોવર એમ ના ઇચ્છયું હતું
શું કરું? પ્રતિબિંબથી પણ જળ તરંગાતાં ગયાં.

ઊંઘના બળતા, ધધખતા તપ્ત રણની રેતમાં
ઊંટ તો વંટોળ શાં આવ્યાં અને ચાલ્યાં ગયાં.

ભીંત પરનાં નાગ ચિતરામણ અરે, વેરી બને
એટલાં માઠાં અને કપરાં વરસ હમણાં ગયાં.


0 comments


Leave comment