35 - શૂન્યતાનાં ઘર / ચિનુ મોદી


શૂન્યતાનું ઘર કવચિત ભડકે બળે છે
મત્સ્ય સૂરજનું હવામાં પીગળે છે.

આંધળો અજગર પછાડા ખાય, ત્યારે
ભૂખરી માટી તરુમાં ઑગળે છે.

ઝાંઝવાના મૃગ ઘણું દોડ્યાં, પરંતુ
ચંદ્રને ક્યારે વળી સૂરજ મળે છે?

લાલ ડાકણ રાતના મનમાં રડે છે
ખોપરીમાં કાળાં આંસુ ઝળહળે છે.

હું પિરામીડમાંથી નીકળી ક્યાં જવાનો?
શૂન્યતાનાં ઘર બધે ભડકે બળે છે


0 comments


Leave comment