36 - નીરવતા / ચિનુ મોદી


બરફ જેમ ખોટું પીગળતી નીરવતા
મને એક ચ્હેરાની ગમતી નીરવતા.

મને તપ્ત મધ્યાહનનું શ્હેર આપો
પછી હું બતાવું ખખડતી નીરવતા.

ક્ષણો તૂટવાના અવાજોની વચ્ચે
તમે સાંભળી છે કણસતી નીરવતા?

પુરાણા સ્મરણની ઉદાસી લઈને
ઘણીવાર એમ જ પજવતી નીરવતા.

હવે શોધતા શ્વાસના ઢગ વિશે શું?
નથી એમ ક્યારેક મળતી નીરવતા.


0 comments


Leave comment