37 - દર્દ / ચિનુ મોદી


દર્દ મારુ એમ વ્હેચાયું નહીં
શબ્દથી થોડુંય જિરવાયું નહીં.

ભરસભામાં વાત મેં મારી કહી
તોય કોઈ કેમ શરમાયું નહીં?

કેટલી લાલચ હતી, વાતો કરું
પણ, મળ્યાં કે કૈં જ બોલાયું નહીં.

સાવ સામે હરવખત એ તો રહ્યું
તોય જીવન ! મોત દેખાયું નહીં?

દુર્દશાની આંગળી છોડી શકત
મુજથી પથરે ફૂલ મૂકાયું નહીં.

લાખ ઇચ્છયું 'તું કળીએ તે છતાં
વાયરાથી સ્હેજ થોભાયું નહીં.

હું કથા એ આંસુની કરવા ચહું
જે નયનસાગર વિશે માયું નહીં.

વાદળીની મનની મનમાં રહી ગઈ
જ્યાં ચહ્યું'તું ત્યાં જ વરસાયું નહીં.

દિલ રહ્યું એવું વિહગ, જે જાળ લૈ
ઊડતું આકાશ, બંધાયું નહીં.

દર્દ એવું પણ કદી મળતું મને,
જે ગઝલની સાથ જોડાયું નહીં.


0 comments


Leave comment