40 - ધુમ્મસ / ચિનુ મોદી


એવું નથી કે આંખમાં આંસુ નથી રહ્યું
ક્યાં જૈ રડું કે કોઈ પણ મારું નથી રહ્યું.

મન પણ હવે મુકાબલો કેવી રીતે કરે ?
એ બેવફાની આંખનું શરણું નથી રહ્યું.

એક્કેય મારી ઝંખના પૂરી નથી થઈ
મારે મરણની ઝંખના જેવું નથી રહ્યું.

આખો દિવસ ભીંસી રહે છે શૂન્યતા મને,
મળવા તને કોઈ હવે બહાનું નથી રહ્યું.

મારી ઉદાસી કોઈ પણ રીતે નહીં ઘટે
ધુમ્મસ ફક્ત કૈં એક આ બાજુ નથી રહ્યું.


0 comments


Leave comment