42 - શું કરું / ચિનુ મોદી
આંખમાં અથડાય જો અંધાર તો હું શું કરું ?
ભીંતનો લાગી રહ્યો છે ભાર તો હું શું કરું ?
દૂર તારાથી થતો હું જાઉં છું હરપળ વિશે,
આ સમય અટકે નહિ પળવાર તો હું શું કરું ?
શૂન્યતાનો એક દરિયો રોજ ઘૂઘવે કાનમાં,
એ પછી પડઘાય પારાવાર તો હું શું કરું ?
પંથ લંબાતો ગયો ને આ ચરણ થાકી ગયા
રેતની આગળ વધે વણઝાર તો હું શું કરું ?
દ્વાર પર દીધા ટકોરા ને પછી ચાલી ગઈ,
રાતભર ખુલ્લાં રહે આ દ્વાર, તો હું શું કરું ?
0 comments
Leave comment