63 - કાંકરી ફેંકાય છે ને જળ તરંગાતાં નથી / રમણીક સોમેશ્વર
કાંકરી ફેંકાય છે ને જળ તરંગાતાં નથી,
કંઈ યુગોથી સાવ ખાલી થઈ ગયેલી વાવ છું.
તું હવે આવે જ તો આવી શકે પડઘા રૂપે,
કોઈ પણ ઘડીએ હવે આવી શકે છે, આવ, છું.
છું હજુ અકબંધ, ઊંડે, છેક ઊંડે છું હજુ,
કોઈ પીંછુ, કોઈ ઝાંઝર કે પરીને લાવ, છું.
છે પગથિયાં પર, પગથિયાં પર, ઘણીયે વાયકા,
કાન દઈ સાંભળ, અગર એકાદ તો સંભળાવ, છું.
લઈ હવડ એકાંત ભીતરમાં ઢબૂરાયું બધું,
છે સભર એકાંત ને હું સાવ ખાલી વાવ છું.
0 comments
Leave comment