14 - ઓચિંતા... / હરિશ્ચન્દ્ર જોશી


ઓચિંતો આવીને ઝીંગોર્યો મોર
      હું તો ફળિયે ઊભી’તી એકલડી,
પાંખોને ઝંઝેડી વેર્યો કલશોર
       ભેળી વેરી રે પાંચ-સાત ટીલડી...

પાલવમાં આળેખ્યા પંખીના બોલાશે
       જાગી ગઈ ઝાંઝરની ઘૂઘરી,
ઝીણો ઝીણો એનો સિંજારવ ઝાલીને
       ઊંડા સૂનકારેથી ઉગારી,
આ’પાથી ઓ’પાથી ઘેરાયું આભ
       અને મોતીડે વરસી વાદલડી...

આગળિયે ભીડેલો અળગાપો તૂટ્યો
       ને અવસર થઈ ઝૂલ્યાં રે બારણાં,
પગથારે આવી ને ઊભાં’ર્યાં અંજળ
       હું ઝાઝેરાં લઈ લઉં ઓવારણાં;

ચાલું તો દોડી જઉં ફળિયેથી ઘરમાં
       ને બેસું જઈ પીંછે અઢેલડી...


0 comments


Leave comment